Pages

Subscribe:

Thursday, November 18, 2010

શ્વાસમાં એમને ભરી લઇશું...


ખુશનુમા એક છળ છળી લઇશું
દિલને જે કઇં ગમે કહી લઇશું

તાંતણા પ્રેમની પળોના લઇ
પાંપણે વિષ્વને વણી લઇશું

જે નહો, તો નહો કશું, ક્યાં પણ
શ્વાસમાં એમને ભરી લઇશું

છોને જાવું હો એક જગા કાયમ
આપણે રાહ નિત નવી લઇશું

ના દિશા હો, ના હો સમય સામિલ
શૂન્ય તોડી ને વિસ્તરી લઇશું

છે સકળ ને છતાં અકળ જે છે
એક દી એમને મળી લઇશું.............

- હિમાંશુ ભટ્ટ

Monday, November 15, 2010

મરી શકાય જ્યાં એવો નિવાસ તો આપો..........!

ભલે હો પંથમાં કાંટા, પ્રવાસ તો આપો,
મુસીબતોમાં જીવનનો વિકાસ તો આપો.

અદ્રશ્ય સાથ મને આસપાસ તો આપો,
હવા ના રૂપમાં જીવનના શ્વાસ તો આપો.

નસીબ મારુ ભલે હો તમારા કબજામાં,
મને ન આપો સિતારો, ઉજાસ તો આપો.

હું ખાલી હાથ રહીને ભલાઇ માગું છું,
મને જો ફૂલ નહીં તો સુવાસ તો આપો.

જગત છે ઝાંઝવાં પણ મનને લાગવા તો દો,
મને પાણી ભલે ન આપો, પ્યાસ તો આપો.

તમારો સાથ નહીં તો તમારી છાયા તો દો,
પૂનમની રાત નહીં તો અમાસ તો આપો.

મને કબૂલ છે મિત્રો, તમે નિખાલસ છો,
તમારી લાગણી છે એવો ભાસ તો આપો.

જગતનીં બહાર છું એવી રીતે રહીશ, લોકો!
મને તમારા જગતમાં સમાસ તો આપો.

જુઓ છો જેમ બધાને, ન મને એમ જુઓ
કદીક મારા ઉપર ધ્યાન ખાસ તો આપો.

દીવાનગીની જરા આબરુ તો રહી જાયે,
મને તમારા તરફથી લિબાસ તો આપો.

મર્યા પછી તો કબર આપશે બધા "બેફામ"
મરી શકાય જ્યાં એવો નિવાસ તો આપો

"બેફામ"

Monday, September 27, 2010

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ .....

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ
પ્રસંગ, નહિ તો મિલનના જતા કરે કોઇ

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
તમારી પણ કદી એવી દશા કરે કોઇ

તમારી પાસ જવાની નથી થતી ઇચ્છા
મને ફરીથી જવાની મના કરે કોઇ

ભલે અવાજની ક્ષિતીજમાં જઇ ન શકાય
વિચારને તો જતા – આવતા કરે કોઇ

કોઇ નજીક નથી – એ વિષે હું કૈં ન કહું
આ સંકડાશ વિષે સ્પષ્ટતા કરે કોઇ

ગુન્હા કર્યા તો ‘ફના’ મેં ગુન્હા તમારા કર્યા
મને એ માન્ય નથી કે સજા કરે કોઈ.

- જવાહર બક્ષી

Thursday, September 23, 2010

નસીબમાં અમારા બસ ઈન્તજાર આવે છે.........

શ્વાસમાં તમારા સુવાસ અપાર આવે છે,

આવો કે પગલે પગલે તમારી બહાર આવે છે,


કંઇ હરકત કંઇ શરારતને તમારી વખાણુ ભલા,

તમારી હર એક અદા પર મને પ્યાર આવે છે,


જીદગીના સફરમાં જૉયા છે ઘણા ચહેરાઓ પણ,

યાદ માત્ર તમારી એક અણસાર આવે છે,


તરસે નયન તમારા ચહેરાના દીદારમાં તે,

ભરાઈ આંખમાં આસુંઓના સરોવર આવે છે,


સનમ રહેવા દો વાત મિલનની ખબર છે અમને કે,

નસીબમાં અમારા બસ ઈન્તજાર આવે છે.

Wednesday, July 28, 2010

લખતા લખતા વ્યથાની વાતો લખાય ગઈ

લખતા લખતા વ્યથાની વાતો લખાય ગઈ

કરતા કરતા અંગારાઓની દોસ્તી થઈ ગઈ

બગીચાના બની ફક્ત ફુલો મહેકવુ હતુ મારે

મહેકતા મહેકતા મારી કાંટોની શૈયા થઈ ગઈ

હકીકત વંચાવી જે અમે ચીતરેલી કાગળ પર

બજારમા ગયા ત્યારે ખુશી પણ મોઘી થઈ ગઈ

કવિતાઓ છે મનની વરાળનુ એક રૂપ નિશિત

જીંદગી તો હવે બસ એના નામની થઈ ગઈ

મનની વાતોને વાચા આપવા બનાવી ગઝલો

લખતા લખતા આજ કલમ જાણે રડતી થઈ ગઈ