Pages

Subscribe:

Wednesday, June 30, 2010

આંખમાં છો ને ભીની ઝલક ઊઘડે,

આંખમાં છો ને ભીની ઝલક ઊઘડે,
મેઘ વરસી પડે તો ફલક ઊઘડે.

ગાલ પર કોઈ શમણાનું પીંછુ ફરે,
પોપચાં થરથરે ને પલક ઊઘડે.

રોજ લાગે કોઈ યાદ કરતું હશે,
રોજ છાતીમાં ઝીણી સલક ઊઘડે.

પારકા દેશમાં તારી યાદ આવતાં,
ઘર તો ઘર, આખેઆખો મલક ઊઘડે.

છો ખલીલ ! આજ મન થોડું હળવું થતું,
આંખમાં છોને ભીની ઝલક ઊઘડે.


"ખલીલ ધનતેજવી "

આંસુઓ લૂછવા અહિ પાલવ નહીં મળે...

સવાલો આપ-લે કરી લઇએ, જવાબો મેળવી લઇએ,
તમારી ડાયરી, મારી કિતાબો મેળવી લઇએ.

તમારા સ્મિત સામે રોકડા આંસુ મેં ચૂકવ્યાં છે,
છતાં જો હોય શંકા તો હિસાબો મેળવી લઇએ.

કોલાહલોના શહેરમાં કલરવ નહીં મળે,
મીઠી મધૂરી વાણીનો વૈભવ નહીં મળે.

જે કાંઇ થઇ શકે તે કરી લે આ જનમમાં,
આનાથી રૂડો બીજો અવસર નહીં મળે.

સચવાય તો ખમીશની બાંયો બચાવી રાખ,
આંસુઓ લૂછવા અહિ પાલવ નહીં મળે.

"ખલીલ ધનતેજવી "

Thursday, June 17, 2010

શહેર છે કે સરહદી વિસ્તાર


એક અફવા છે ભયંકર શહેરમાં,
અશ્રુઓ સારે છે પથ્થર શહેરમાં.

શહેર છે કે સરહદી વિસ્તાર છે,
છે પડ્યું પાથર્યું લશ્કર શહેરમાં.

કાગડો વાચાળ બનતો જાય છે,
મૌન ઘૂંટે છે કબૂતર શહેરમાં.

લોકટોળા પર બધું નિર્ભર નથી,
કર્ફ્યુ પણ ઊજવે છે અવસર શહેરમાં.

દેવદરબારે મળી દાનવસભા,
ઊંઘતો ઝડપાયો ઈશ્વર શહેરમાં.

લોક પાડોશીને પણ ના ઓળખે,
એ જ ખૂબી છે બિરાદર શહેરમાં.

રાખજે ખિસ્સામાં સરનામું ખલીલ,
છે અકસ્માતો ભયંકર શહેરમાં.

-"ખલીલ ધનતેજવી "

Monday, June 7, 2010

કોણ માનશે ?


મોહતાજ ના કશાનો હતો કોણ માનશે?
મારો ય એક જમાનો હતો કોણ માનશે?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દિવાનો હતો કોણ માનશે?

તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો, કોણ માનશે?

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો કોણ માનશે?

હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?

‘રૂસવા’ કે જે શરાબી મનાતો રહ્યો સદા,
માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે?

"રૂસવા મઝલુમી"