Pages

Subscribe:

Friday, November 26, 2010

બિચારાં થઈ ગયા આસું ........



બધાં દુઃખના તુફાનોમાં સહારા થઈ ગયાં આંસુ,
હતા પાણી છતાં સૌના કિનારા થઈ ગયાં આંસુ.

પડ્યા ધરતી ઉપર જખ્મોં તો એના થઈ ગયાં ફૂલો,
રડયું આકાશ, તો એના સિતારા થઈ ગયાં આસું.

જગત સિન્ધુમાં કેવળ એજ બિન્દુ થઈ શક્યાં મોતી,
પડ્યા જળમાં છતાં જળથી ન્યારા થઈ ગયાં આસું.

વધારી છે સદા શોભા બધા વેરાન જીવનની,
બધા ઉજ્જડ બગીચાના ફુવારા થઈ ગયાં આસું.

લગાડી આગ સળગાવી દીધી હસ્તી સિતમગરની,
બતાવ્યું એનું પાણી ત્યાં તિખારા થઈ ગયાં આસું.

નમક છાંટ્યું હશે શાયદ કોઇએ દિલનાં જખ્મો પર,
કદાચિત એટલા માટે જ ખારાં થઈ ગયાં આસું.

મને દુઃખ એ છે કે,એ હવે વેહતા નથી "બેફામ",
મીંચી મેં આંખો તો કેવા બિચારાં થઈ ગયાં આસું !

-
"બેફામ"

Thursday, November 18, 2010

શ્વાસમાં એમને ભરી લઇશું...


ખુશનુમા એક છળ છળી લઇશું
દિલને જે કઇં ગમે કહી લઇશું

તાંતણા પ્રેમની પળોના લઇ
પાંપણે વિષ્વને વણી લઇશું

જે નહો, તો નહો કશું, ક્યાં પણ
શ્વાસમાં એમને ભરી લઇશું

છોને જાવું હો એક જગા કાયમ
આપણે રાહ નિત નવી લઇશું

ના દિશા હો, ના હો સમય સામિલ
શૂન્ય તોડી ને વિસ્તરી લઇશું

છે સકળ ને છતાં અકળ જે છે
એક દી એમને મળી લઇશું.............

- હિમાંશુ ભટ્ટ

Monday, November 15, 2010

મરી શકાય જ્યાં એવો નિવાસ તો આપો..........!

ભલે હો પંથમાં કાંટા, પ્રવાસ તો આપો,
મુસીબતોમાં જીવનનો વિકાસ તો આપો.

અદ્રશ્ય સાથ મને આસપાસ તો આપો,
હવા ના રૂપમાં જીવનના શ્વાસ તો આપો.

નસીબ મારુ ભલે હો તમારા કબજામાં,
મને ન આપો સિતારો, ઉજાસ તો આપો.

હું ખાલી હાથ રહીને ભલાઇ માગું છું,
મને જો ફૂલ નહીં તો સુવાસ તો આપો.

જગત છે ઝાંઝવાં પણ મનને લાગવા તો દો,
મને પાણી ભલે ન આપો, પ્યાસ તો આપો.

તમારો સાથ નહીં તો તમારી છાયા તો દો,
પૂનમની રાત નહીં તો અમાસ તો આપો.

મને કબૂલ છે મિત્રો, તમે નિખાલસ છો,
તમારી લાગણી છે એવો ભાસ તો આપો.

જગતનીં બહાર છું એવી રીતે રહીશ, લોકો!
મને તમારા જગતમાં સમાસ તો આપો.

જુઓ છો જેમ બધાને, ન મને એમ જુઓ
કદીક મારા ઉપર ધ્યાન ખાસ તો આપો.

દીવાનગીની જરા આબરુ તો રહી જાયે,
મને તમારા તરફથી લિબાસ તો આપો.

મર્યા પછી તો કબર આપશે બધા "બેફામ"
મરી શકાય જ્યાં એવો નિવાસ તો આપો

"બેફામ"