Pages

Subscribe:

Friday, April 23, 2010

કોણ માનશે...........???

તૂઝ બેવફાઈ મા છે વ્યથા કોણ માનશે !
જે જોઈ છે મે તારી દશા કોણ માનશે ?

મારા ગુનાહો જોઈ, મને બેશરમ ન માન !
સાથે જ ભોગવું છુ સજા કોણ માનશે ?

દિલ મારૂ, પ્રેમ મારો અને ઍમની શરત!
મે ખુદ કહી છે કેટલી "ના" કોણ માનશે ?

વર્ષો થયા હું જેમની મહેફીલ થી દૂર છુ!
ત્યાં હાજી પણ છે મારી જગા કોણ માનશે?

છે ખુશનસીબ વ્યક્તિ કરે જે ઉદારતા!
દિલ મા રહી ગયી તે દયા કોણ માનશે?

જે વાત પર બ્દ્ધાઍ શિખામણ દીધી "મરીઝ"
સમ્મંત હતો હું ઍમા, ભલા કોણ માનશે??


"મરીઝ"

Monday, April 19, 2010

આ જિંદગી ની હવે મને કદર નથી રહી

કરી નાખી છે, પાયમાલી દુનિયા ઍ આવી,
કે હવે ખુદનીય ખબર નથી રહી,
ની પછિ મિત્રો મારા કેહ છે
કે મને ઍમની કદર નથી રહી,

નજીક ના દ્રશ્યો ઍ જ્ આપી કૈંક વેદના ઍવી
કે દૂર સુધી વિસ્તરી શકે ઍવી નજર નથી રહી,
મારો પ્રેમ છિનવી લીધો દુનિયા ઍ જ્ મિત્રો
ને પછિ કહે છે, પ્રેમ મા કસર તો નથી રહી ?

દુખ મા ઝાબોળાઈ ને ઉપસી આવી છે જિંદગી મારી
હવે ખુશી ની કોઈ અસર નથી રહી,
આપી દો મૃત્યુ મારા હિત ના ચાહકો મને
આ જિંદગી ની હવે મને કદર નથી રહી,

"દાનવ"

Saturday, April 17, 2010

ગણિત જિંદગી નુ .........

ગણિત જિંદગી નુ ક્યાં આમજ સમઝાય છે,
ક્યારેક આશા તૂટતી તો ક્યાંક બંધતી જણાય છે

ક્યાંક જૂના સંબંધો ની બાદબાકી થાય છે,
તો ક્યાંક નવા સરવાળા થાય છે

ઋણાનુ બંધ ખેંચીને લઈ જાય છે ત્યાં,
જ્યાં કોઈને તમારી ખોટ વર્તાય છે

ક્યારેક તો પડછાયા પણ સાથ છોડી જાય છે,
નૅ ત્યાંજ મિત્રો નો આધાર મળી જાય છે

જેના પર મુકો વિશ્વાસ, તે વિશ્વાસઘાત કરિ જાય છે,
ને કોઈ વગર કીધે સાથ નીભાવી જાય છે

ખાધી છે ઘણી ઠોકરો સબંધો નીભાવવા મા,
પણ દિલ ના સંબંધો નૅ ક્યાં સાચવવા ની જરૂર જણાય છે

વિચારો ના વંટોળ મા ન કેહ્વવા નુ કેહવાઈ જાય છે,
ત્યાં સાચા સંબંધો રેહ છે, ને સ્વાર્થ ના તૂટી જાય છે

કહે છે "દાનવ" છુટી રેહવા દો તૂટેલા સંબંધો ની દોર,
નહી તો રહી ગયેલી ગાંઠથિ જ હૈયા હણાય છે.

"દાનવ"

Saturday, April 10, 2010

લાશ મારી પરંતુ તરાવી દીધી

થાય સરખામણી તો ઊતરતા છીએ,તે છતાં આબરુને દીપાવી દીધી,
એમના મહેલ ને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી.

ઘોર અંધાર છે આખી અવની ઉપર,તો જરા દોષ એમાં અમારોય છે,
એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા, ને અમે પણ શમાઓ બુઝાવી દીધી.

બીક એક જ બધાને હતી કે અમે ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર,
કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી, કોઈએ જાળ રસ્તે બિછાવી ડીધી.

કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા,પણ ઊભા રહી અમે ના કોઈ ને નડ્યા,
ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે, વાટ કિંતુ બીજાને બતવી દીધી.

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની જિંદગીમાં અસર એક તનહાઈની?
કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું, ‘કેમ છો’, એને આખી કહાણી સુણાવી દીધી.

દિલ જવા તો દીધું કોઈન હાથમાં,દિલ ગયા બાદ અમને ખરી જાણ થઈ,
સાચવી રાખવાની જે વસ્તુ હટી, એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી.

જીવતાં જે ભરોસો હતો ઈશ પર,એ મર્યા બાદ્ ‘બેફામ’ સાચો પડ્યો,
જાત મરી ભલે ને તરાવી નહીં,લાશ મારી પરંતુ તરાવી દીધી.

- બેફામ


મારી હાજરી નહોતી

ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી;
મને પણ શેખ! તારી જેમ આ દુનિયા ગમી નહોતી.

ખબર શું કે ખુદા પણ જન્મ આપી છેતરી લેશે?
જીવ્યો ત્યારે જ જાણ્યું કે એ સાચી જિંદગી નહોતી.

નથી એ દોષ તારો કે મળ્યાં છે, ઝાંઝવા, સાકી!
પીવા હું ત્યાં ગયો કે જ્યાં ઘટા કોઈ ચડી નહોતી.

બહુ કપરા દિવસ વીત્યા હતા તારી જુદાઈમાં;
કે નહોતી રાત જુલ્ફોની વદનની ચાંદની નહોતી!

મિલનની ઝંખના તો જો! કે તારી શોધ કરવામાં,
લીધી છે રાહ એવી પણ કે જે તારી ગલી નહોતી!

વિતાવી મેં વિરહની રાત એનાં સ્વપ્ન જોઈને;
કરું શું? મારી પાસે એક પણ એની છબી નહોતી.

મહોબ્બતમાં કશું ફળ ના મળ્યું; નિર્દોષતા તો જો!
રહી એ એવી જન્નત જ્યાં દખલ શયતાનની નહોતી.

હતી એક મુફલિસી પણ દોસ્ત, પડદામાં મહોબ્બતનાં,
હતાં ફાટેલ વસ્ત્રો, એ ફક્ત દીવાનગી નહોતી.

જે મારા પર દયા કરતા હતા, નહોતી ખબર એને,
કે એક અલ્લાહ વિના મારે જગતમાં કંઈ કમી નહોતી.

ન દો ઉપચારકોને દોષ મારા મોતને માટે,
એ કુરબાની હતી મારી, એ મારી માંદગી નહોતી.

રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.

– બરકત વીરાણી ‘બેફામ’

Thursday, April 1, 2010

ચર્ચામાં નથી હોતી

આસિમ રાંદેરી ( મહમૂદમિયાં મોહંમદ ઇમામ સૂબેદાર )

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી;
મજા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.

દયામાં પણ નથી હોતી, દિલાસામાં નથી હોતી,
કહે છે જેને શાંતિ દિલની, દુનિયામાં નથી હોતી.

ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી;
નજરમાં હોય છે મસ્તી તે મદિરામાં નથી હોતી.

મજા ક્યારેક એવી હોય છે જે એક ‘ના’ માં પણ,
અનુભવ છે કે એવી સેંકડો ‘હા’ માં નથી હોતી.

જઇને તૂર ઉપર એમણે સાબિત કરી દીધું,
કે આદમ જેટલી હિંમત ફરિસ્તામાં નથી હોતી.

તમારી આ યુવાનીની બહારો શી બહારો છે !
બહારો એટલી સુંદર બગીચામાં નથી હોતી.

અરે આ તો ચમન છે, પણ યદિ વેરાન જંગલ હો,
કહો જ્યાં જ્યાં તમે હો છો મજા શામાં નથી હોતી ?

મોહબ્બત થાય છે પણ થઇ જતાં બહુ વાર લાગે છે,
મોહબ્બત ચીજ છે એવી જે રસ્તામાં નથી હોતી.

ગઝલ એવીય વાંચી છે અમે ‘લીલા’ની આંખોમાં,
અલૌકિક-રંગમય જે કોઇ ભાષામાં નથી હોતી.

અનુભવ એ ય ‘આસિમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.

તમને સમય નથી અને મારો સમય નથી,

“દિલનાં દર્દને અશ્રુથી તોલી શક્યા નહીં,
હૈયું પરસ્પર આપણે ખોલી શક્યા નહીં;
જાલિમ જમાનો બેઉની વચ્ચે હતો એથી,
સામે મળ્યા ને કાંઈ પણ બોલી શક્યા નહીં.”

તમને સમય નથી અને મારો સમય નથી,
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.

રોકી રહી છે તમને તમારી શરમ અને,
મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી.

વિસરી જવું એ વાત મારા હાથ બહાર છે,
ને યાદ રાખવું એ તમારો વિષય નથી.

હું ઇન્તિજારમાં અને તમે હો વિચારમાં,
એતો છે શરૂઆત કંઈ આખર પ્રલય નથી.

- બાપુભાઈ ગઢવી


લાગે છે

એ રીતે તમારાં સ્વપ્નોમાં અંધકાર મનોહર લાગે છે ;
જે રીતે કો સુંદર નયનોમાં કાજલ અતિ સુંદર લાગે છે.

નયનોને જે સુંદર લાગે છે, દિલને જે મનોહર લાગે છે ;
કિસ્મતના ગજાથી એ વસ્તુ, હંમેશ મને પર લાગે છે.

સંજોગ હિમાલય જેવા છે બરબાદ મુકદ્દર લાગે છે,
અંતરને છતાં તુજ અંતરથી બહુ થોડું અંતર લાગે છે.

સૌ કે’છે હજી હું ભટકું છું, દિલ કે’છે કે મંજિલ આવી ગઇ,
જે દ્વાર ઉપર જઇ પહોંચું છું – મારું જ મને ઘર લાગે છે.

વિખરાઇ હશે કોઇની લટો એથી જ તો ખુશ્બુ છે ચોગમ,
આ બાગ-બગીચા મસ્ત પવન ચિઠ્ઠીના ચાકર લાગે છે.

ઓ ફૂલને નાજુક કહેનારા, કંઇ મારાં દુઃખોની રાખ ખબર,
હું સ્મિત ફરકાવું છું – તો ચોટ હ્રદય પર લાગે છે.

બદનામ છે પથ્થર દુનિયામાં, મેં જાણ્યું તમારા વર્તનથી,
ક્યારેક જીવનના મારગ પર ફૂલોનીય ઠોકર લાગે છે.

જો મોત મળે ભરયૌવનમાં, તો શોક ન કરજો ‘સૈફ’ ઉપર,
રંગીન નશીલી મોસમમાં હર ચીજ સમયસર લાગે છે.

"સૈફ"