Pages

Subscribe:

Saturday, February 18, 2012

મહોબ્બતમાં હવે મારો પરિચય.....!

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાબુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર બેફામ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.

- બેફામ


Saturday, November 5, 2011

તક ન મળી........!


લાગણીઓના  સોફ્ટવેરમાં   ડાઉનલૉડની કોઈ લિંક ન મળી.
માગણી માગણી મળી, જિંદગી રિસ્ટાર્ટ કરવાની તક ન મળી.

લોગ ઓન તો ઘણા થયા ને થશે એક સાથે આ માનસપટ પર
બસ,કોઈને ય નાજુક ‘હાર્ડ’ડ્રાઈવમા સેવ કરવાની તક ન મળી.

સનમનો ઈમેઈલ આઈડી ખોટો કે પછી મારી કોઈ ભુલ થાય છે.
ડ્રાફ્ટ તો ઘણા ય સાચવ્યા છે,મને એ સેન્ડ કરવાની તક ન મળી

આ તુટેલ દિલની બેટરી હવે રિચાર્જ કરવા દે પ્રભુ તું કોઈ વાર
જેને ચાહ્યા જિંદગીભર એની સાથે જ કનેક્ટ થવાની તક ન મળી.

નયનોના પ્રિન્ટરમાં આસુંના ઈન્કની કાર્ટિજ સાવ ખાલી થઈ ગઈ
સનમ, તારી રાહમાં લખેલ આ કવિતા પ્રિન્ટ કરવાની તક ન મળી

Friday, June 24, 2011

આપણને નહિ ફાવે.....!!!


તમે મન મૂકી વરસો,ઝાપટું આપણને નહિ ફાવે.
અમે હેલીના માણસ માવઠું આપણને નહિ ફાવે.

કહો તો માછલી ની આંખમાં ડૂબકી દઈ આવું,
પરંતુ છીછરું ખાબોચિયું આપણને નહિ ફાવે.

તું નહિ આવે તો એ ના આવાનું ફાવશે,
ઘરે આવી, તારું પાછું જવું,આપણને નહિ ફાવે.

વફાદારીની આ ધગધગતી તાપણીઓ બુઝાવી દો,
સળગતું દિલ, દઝાતું કાળજું આપણને નહિ ફાવે.

તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહિ ફાવે.

તમાચો ખાઈ લઉં આ ગાંધીગીરીના નામ પર,
પણ આ પત્નીને 'બા' સંબોધવું આપણને નહિ ફાવે.

ખલીલ અણગમતાને ગમતો કરી લેવું નથી ગમતું,
ભલે તમને બધાને ફાવતું આપણને નહિ ફાવે.

- ખલીલ ધનતેજવી

Thursday, April 21, 2011

ન માગે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે.....!

ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે,
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.

દુનિયાની જુઠી વાણી વિશે જો દુ: વાસે છે,
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે.

કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડીનો,
જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે.

જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે,
સારા કે નઠારાની જરાએ સંગતે રહેજે.

સ્હેજે શાંતિ સંતોષે સદાયે નિર્મળે ચિત્તે,
દિલે જે દુ: કે આનંદ કોઇને નહીં કહેજે.

વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં તેને તજી દેજે,
ઘડી જાએ ભલાઇની મહાલક્ષ્મી ગણી લેજે.

રહે ઉન્મત્ત સ્વાનંદે ખરું સુખ માની લે,
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે.

કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે,
પરાઇ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે.

અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માગે તો,
માગે દોડતું આવે વિશ્વાસે કદી રહેજે.

અહો શું પ્રેમમાં રાચે, નહીં ત્યાં સત્ય પામે તું?
અરે તું બેવફાઇથી ચડે નિંદા તણે નેજે.

લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો રહેજે,
અરે કીમિયાની જો મઝા છે તે પછી કહેજે.

વફાઇ તો નથી આખી દુનિયામાં જરા દીઠી,
વફાદારી બતાવા ત્યાં નહીં કોઇ પળે જાજે.

રહી નિર્મોહી શાંતિથી રહે સુખ મોટું છે,
જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે.

પ્રભુના નામનાં પુષ્પો પરોવી કાવ્યમાળા તું,
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે.

કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઇ?
નિજાનંદે હંમેશાં બાલ મસ્તીમાં મઝા લેજે.

અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માગે તો,
માગે દોડતું આવે વિશ્વાસે કદી રહેજે.

"બાળાશંકર કંથારિયા"

Wednesday, March 9, 2011

ખુલ્લી મૂકી વખાર અમે.... - ધ્રુવ ભટ્ટ

ખુલ્લી મૂકી વખાર અમે ચાલતા થયાં,
જોતી રહી બજાર અમે ચાલતા થયાં.

રસ્તા ગલી વળાંક બદલતા રહ્યાં સતત,
હરપલ દરેક હાલ અમે ચાલતા થયાં.

ઉલ્લેખ માત્ર થાય ને તોયે નશો રહે,
પી લીધી શરાબ અને ચાલતા થયાં.

અંદર થયું કે ચાલ હવે ચાલશું પછી,
પૂછ્યો નહીં સવાલ અમે ચાલતા થયાં.

કોઈ અજાણી રાત પરિચિત સ્થળે જડી,
ત્યાંથી જડ્યે સવાર અમે ચાલતા થયાં.

હાથની લકીર હજી રોકતી હતી
પગનો હતો મિજાજ અમે ચાલતા થયાં

ચર્ચા કશેય પહોંચવાની ક્યાં કરી હતી?
મંઝિલની છોડ વાત અમે ચાલતા થયાં.

- ધ્રુવ ભટ્ટ