Pages

Subscribe:

Monday, November 15, 2010

મરી શકાય જ્યાં એવો નિવાસ તો આપો..........!

ભલે હો પંથમાં કાંટા, પ્રવાસ તો આપો,
મુસીબતોમાં જીવનનો વિકાસ તો આપો.

અદ્રશ્ય સાથ મને આસપાસ તો આપો,
હવા ના રૂપમાં જીવનના શ્વાસ તો આપો.

નસીબ મારુ ભલે હો તમારા કબજામાં,
મને ન આપો સિતારો, ઉજાસ તો આપો.

હું ખાલી હાથ રહીને ભલાઇ માગું છું,
મને જો ફૂલ નહીં તો સુવાસ તો આપો.

જગત છે ઝાંઝવાં પણ મનને લાગવા તો દો,
મને પાણી ભલે ન આપો, પ્યાસ તો આપો.

તમારો સાથ નહીં તો તમારી છાયા તો દો,
પૂનમની રાત નહીં તો અમાસ તો આપો.

મને કબૂલ છે મિત્રો, તમે નિખાલસ છો,
તમારી લાગણી છે એવો ભાસ તો આપો.

જગતનીં બહાર છું એવી રીતે રહીશ, લોકો!
મને તમારા જગતમાં સમાસ તો આપો.

જુઓ છો જેમ બધાને, ન મને એમ જુઓ
કદીક મારા ઉપર ધ્યાન ખાસ તો આપો.

દીવાનગીની જરા આબરુ તો રહી જાયે,
મને તમારા તરફથી લિબાસ તો આપો.

મર્યા પછી તો કબર આપશે બધા "બેફામ"
મરી શકાય જ્યાં એવો નિવાસ તો આપો

"બેફામ"

No comments:

Post a Comment