
બધાં દુઃખના તુફાનોમાં સહારા થઈ ગયાં આંસુ,
હતા પાણી છતાં સૌના કિનારા થઈ ગયાં આંસુ.
પડ્યા ધરતી ઉપર જખ્મોં તો એના થઈ ગયાં ફૂલો,
રડયું આકાશ, તો એના સિતારા થઈ ગયાં આસું.
જગત સિન્ધુમાં કેવળ એજ બિન્દુ થઈ શક્યાં મોતી,
પડ્યા જળમાં છતાં જળથી ન્યારા થઈ ગયાં આસું.
વધારી છે સદા શોભા બધા વેરાન જીવનની,
બધા ઉજ્જડ બગીચાના ફુવારા થઈ ગયાં આસું.
લગાડી આગ સળગાવી દીધી હસ્તી સિતમગરની,
બતાવ્યું એનું પાણી ત્યાં તિખારા થઈ ગયાં આસું.
નમક છાંટ્યું હશે શાયદ કોઇએ દિલનાં જખ્મો પર,
કદાચિત એટલા માટે જ ખારાં થઈ ગયાં આસું.
મને દુઃખ એ છે કે,એ હવે વેહતા નથી "બેફામ",
મીંચી મેં આંખો તો કેવા બિચારાં થઈ ગયાં આસું !
-"બેફામ"